November 21, 2024

તંત્રની બેદરકારી:કુંડલામાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય

November 14, 2024
1Min Read
8 Views

હાર્દસમાં વિસ્તારોમાં ખુલ્લી ગટરો, કચરાના ઢગલાઓ, દુર્ગંધયુકત ગંદા પાણી ઉભરાતા લોકોમાં ભારે રોષ

સાવરકુંડલા શહેરમાં વ્યાપેલી ગંદકીની સમસ્યાએ હદ પાર કરી છે. પાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરના મુખ્ય માર્ગોથી લઈને છેવાડાના વિસ્તારો સુધી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. દિવાળી અને નવું વર્ષ જેવા તહેવારોમાં પણ શહેરના રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી હતી. વાહન ચાલકો આ ઉડતી ડમરીઓના કારણે વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.


શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો, કચરાના ઢગલા અને પાણી ભરેલા ખાબોચિયાઓ સામાન્ય બની ગયા છે. આ સ્થિતિમાં શહેરીજનોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. જાગૃત નાગરિકોએ આ સમસ્યા અંગે સ્વચ્છતા અને વિકાસના સૂત્રો ચલાવનાર પાલિકા તંત્ર અને સતાધીશોને રજૂઆતો કરેલ હતી. અને તેમણે અધિકારીઓની મિટિંગ બોલાવી સ્વચ્છતા જળવાય રહે અને શહેરનું વાતાવરણ સુંદર બને તેની માટે કડક સૂચનો કર્યા હતા. પરંતુ આવા સૂચનોને અવગણીને કોઈ પગલાં લીધા નથી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો આવી રહી છે. છતાં શહેરની આ હાલત જોઈને લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. પાલિકાના ચીફ ઓફિસરથી લઈને સેનિટેશન ઇન્સ્પેક્ટર સુધી પોતાની ફરજ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. નગરસેવકો અને પાલિકાના પદાધિકારીઓ પણ આ સમસ્યા અંગે બેદરકાર વલણ અપનાવી રહ્યા છે. સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમો કરી જાગૃતિ લાવવા માટેની કામગીરી માત્ર કાગળો પર રહી ગઈ હોય તેવું સાવરકુંડલામાં લાગી રહ્યું છે. ત્યારે શહેરમા નિયમિત સાફ સફાઇની કામગીરી હાથ ધરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

Leave a Comment
logo-img Savarkundla.com

All Rights Reserved © 2024 Savarkundla.com